તસવીર સૌજન્ય: ભુષણ પંડયા
 
              ગુજરાતનું ગૌરવ, ગુજરાતની શાન એવાં સાવજો એક સમયે લુપ્ત થવાનાં આરે ઊભાં હતાં. ત્યારે, જૂનાગઢનાં નવાબ દ્વારા સિંહોનાં શિકાર પર પ્રતિબંધ મૂકી સિંહોને અભય વરદાન આપવામાં આવ્યું. ત્યારબાદ સરકારશ્રી અને વનવિભાગ નાં સંયુક્ત પગલાંથી સિંહોની વસ્તી માં નોંધપાત્ર વધારો થયો. સ્થાનિકો, માલધારીઓ, સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા સિંહ સંવર્ધનમાં પોતપોતાની રીતે યોગદાન આપવામાં આવ્યું. સિંહ સંવર્ધન માં વૈશ્વિક ડંકો વાગ્યો. સમગ્ર વિશ્વએ સિંહ સંવર્ધન ની નોંધ લીધી. 

             દર પાંચ વર્ષે વનવિભાગ દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. સાથે સાથે દર પૂનમે દરેક રેન્જ માં સિંહોની ગણતરી થાય છે. આ પૂનમ ની ગણતરી વનવિભાગ પોતાનાં કાર્યમાં ઉપયોગ માં લે છે. પૂનમ દરમ્યાન થયેલ સિંહ વસ્તી ગણતરી નાં આંકડા વનવિભાગ જાહેર કરતું નથી. દર પાંચ વર્ષે સિંહ વસ્તી ગણતરી દરમ્યાન છેલ્લી સિંહ વસ્તી ગણતરી 2015 મુજબ વન વિભાગ દ્વારા 523 સિંહોની ગણતરી કરવામાં આવી હતી. હાલ માં 2020 માં સિંહ વસ્તી ગણતરી માટે વનવિભાગે સમગ્ર તૈયારીઓ કરી દીધેલ. 

            પરંતુ, "કોરોના" વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ને પગલે સિંહો ની પાંચ વર્ષ ની વસ્તી ગણતરી પર વનવિભાગ નાં મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢ દ્વારા તા: 03/06/2020 નાં એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. તેમાં તેઓનું કહેવું હતું કે, "સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે યોજાય છે. તે પ્રમાણે આ વર્ષે 2020 માં ઉનાળા દરમિયાન વનવિભાગ દ્વારા સિંહ વસ્તી ગણતરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણતરીમાં વનવિભાગ નો સ્ટાફ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાતો, પ્રકૃતિપ્રેમીઓ, સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ તથા નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફનાં સભ્યો, ઓબ્ઝર્વરશ્રીઓ, રાજ્ય/ ભારત સરકારશ્રી નાં અધિકારીઓ તથા વનમંત્રીશ્રી વગેરે મોટી સંખ્યામાં જોડાતાં હોય છે. 

              પરંતુ, હાલમાં "કોવિડ-19" ની પરિસ્થિતિ તથા લોકડાઉન વગેરે ને ધ્યાનમાં લેતાં વધુ લોકો એક્ઠા કરવા એ વ્યાજબી ન જણાતું હોઈ. પરંપરાગત રીતે સિંહ વસ્તી ગણતરી યોજવી શક્ય નથી. વનવિભાગ દ્વારા છેલ્લાં સાતેક વર્ષથી દર પૂનમે બપોરનાં 2-00 કલાકથી લઈ બીજા દિવસે બપોરે 2-00 કલાક દરમ્યાન સ્ટાફ પોતપોતાનાં વિસ્તારમાં ફરી સિંહોનું અવલોકનની નોંધ કરી અહેવાલ તૈયાર કરે છે. 

         આમ, આ વર્ષે સત્તાવાર સિંહ વસ્તી ગણતરી શક્ય ન હોવાથી તા:05/06/2020 નાં પૂનમનાં દિવસે બપોરનાં 2-00 કલાક થી બીજા દિવસે બપોરનાં 2-00 કલાક સુધી રાજ્યનાં ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન સાથે વનવિભાગનો સ્ટાફ સિંહ અવલોકન કરશે. આ અવલોકન નાં અંતે સિંહ વસ્તી ગણતરીનાં જે આંકડા આવશે તે વનવિભાગને તેનાં વ્યવસ્થાપનમાં મદદરૂપ બનશે. સાથે સાથે મુખ્ય વન સંરક્ષકશ્રી, જૂનાગઢ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તા:05/06/2020 નાં તથા તા:06/06/2020 નાં રોજ જે સિંહ અવલોકન કરવામાં આવી રહ્યું છે. તે સત્તાવાર સિંહ ગણતરી નથી અને વનવિભાગ દ્વારા પરંપરાગત કરવામાં આવતું અવલોકન છે."
 
            હાલમાં તા:05/06/2020 તથા તા:06/06/2020 નાં રોજ પૂનમ અવલોકન નામની એક કવાયત વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી. જેને સીધી બીટ ચકાસણી તરીકે બ્લોક કાઉન્ટ મેથડ થી પણ ઓળખવામાં આવે છે. આ કવાયત માં લગભગ 1400 જેટલાં કર્મચારીઓ દ્વારા તેમના વહીવટી અધિકારીઓની દેખરેખ હેઠળ તેર વહીવટ વિભાગ માં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. 

 
          એશિયાઈ સિંહો ની વસ્તીમાં, 2015 (523 સિંહ) ની 27% વૃદ્ધિની તુલના એ 28.87% (અત્યાર સુધીનો સૌથી વધુ વૃદ્ધિદર માંનો એક) ની વૃદ્ધિ સાથે 674 સિંહો જોવા મળ્યા હતા. સિંહોનું વિસ્તરણ 2015 માં 22,000 ચો.કિમી વિસ્તારમાં હતું, જે વધીને 2020માં 30,000 ચો.કિમી માં થઈ ગયું છે. આ વિસ્તરણ ક્ષેત્રમાં 36% નો વધારો થયો છે. એશિયાઈ સિંહોના લેન્ડસ્કેપ (જૂન 2020) માં એશિયાઈ સિંહોની વસ્તીનું પૂનમ અવલોકન માં 674 સિંહોની ગણતરી કરવામાં આવી. 

            માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વનવિભાગને તથા સ્થાનિકોના સિંહ સંવર્ધન માટે ના પ્રયાસો ને Twitter ના માધ્યમ થી બિરદાવ્યા. ટવીટ માં તેમણે કહ્યું કે, ગીરનાં જંગલમાં એશિયાટિક સિંહની વસ્તીમાં 29% જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમાં 36% નો વધારો થયો છે. ગુજરાતની પ્રજા અને આ કાર્યમાં જોડાનાર તમામને શુભેચ્છાઓ આપવામાં આવી. 


આ ઉપરોક્ત તમામ વિગત વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. 

હવે, જાણકારો ના મતે જોઈએ તો, 
  • વનવિભાગ છેલ્લા 7 વર્ષથી દર પૂનમે સિંહોનું અવલોકન કરે છે. આ આવલોકન દરમ્યાન જે કોઈ પણ સિંહ વિષયક આંકડા બહાર પડે છે. તે વનવિભાગ પોતાનાં વ્યવસ્થાપન હેતુ માટે ઉપયોગ કરે છે. આ આંકડા ક્યારેય બહાર પાડતું નથી. 
  • હાલમાં ટપોટપ 30 જેટલાં (સત્તાવાર) સિંહ મોતને ભેટયાં હતા. બિન સત્તાવાર 70 જેટલા સિંહના મૃત્યુ થયાનું જાણકારો નોંધે છે. ત્યારે, સિંહપ્રેમીઓ દ્વારા અનેક રજૂઆતો ઉપલા સ્તરે કરવામાં આવી હતી. તેના ફળ સ્વરૂપે દિલ્હી થી 3 અધિકારીઓએ ગીર માં 3 દિવસ ધામા નાખેલ. 
  • આ ટપોટપ મરતાં સિંહોનાં આંકડા ને દબાવવા વનવિભાગ દ્વારા જે પરંપરાગત રીતે થતું પૂનમ અવલોકનનાં આંકડા જે વનવિભાગ આજદિન સુધી જાહેર કરતુ નથી. તે આંકડા વ્યવસ્થિત જોડી ને જાહેર કરવામાં આવ્યા છે.       
  • વનવિભાગે 9 જિલ્લાના સિંહ ગણતરી ના આંકડા જાહેર કર્યા છે. જો વનવિભાગ જિલ્લાવાર સિંહોના આંકડા પ્રસ્તુત કરે તો જ સિંહોની સાચી પરિસ્થિતિ જાણવા મળશે. 
  • જે પ્રમાણે સિંહો નાં ટપોટપ મોત  થયા, સિંહપ્રેમીઓ એ માનનીય વડાપ્રધાન શ્રી ને લેખિતમાં રજૂઆતો કરી. પરંતુ, વડાપ્રધાનશ્રી તરફથી આજદિન સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. કે, નથી સરકારશ્રી દ્વારા સિંહોના મોત નાં મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવ્યું, પરંતુ સિંહ વસ્તી ગણતરી ના આંકડા જાહેર થતાં માનનીય વડાપ્રધાન દ્વારા ટવીટર દ્વારા શુભકામનાઓ આપવામાં આવતાં સિંહપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો, કે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા  વસ્તી ગણતરીનાં  બહાને સિંહો પર ધ્યાન તો આપવામાં આવ્યું.
  • જે પ્રમાણે વનવિભાગ દ્વારા એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણનું વલણ દર્શાવતો ચાર્ટ રજૂ કર્યો છે. તે આધારે સિંહો સતત પોતાનો વિસ્તાર વધારી રહયા છે. 1990 ની સાલમાં 284 સિંહ  6,600 ચો.કિમી.ના વિસ્તારમાં વિચરતા હતાં, ત્યાંથી લઇ 2020 ની સાલમાં 674 સિંહો  30,000 ચો.કિમી. ના વિસ્તારમાં વિચરી રહ્યાં છે. આ વિસ્તાર વિષયક માહિતી સંશોધન માંગી લે તેમ છે. કારણ કે, ભારતનાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક નો વર્ષ 2018 નાં અહેવાલ નં.1 ના પ્રકરણ -3 (પૂર્તતા ઓડિટ) ના 3.1.7 "એશિયાઈ સિંહો માટે નવા વિસ્તારોની જાહેરાત ના થવી"  શીર્ષક હેઠળનાં  સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરતાં વનવિભાગ દ્વારા 30,000 ચો.કિમી આંકડા ની માયાજાળ સંશોધન માગી લે તેમ છે. આ પ્રકરણ ની સમગ્ર વિગત નીચે પ્રમાણે છે.  



ભારતનાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક નો વર્ષ 2018 નાં અહેવાલ નં.1 ના પ્રકરણ -3 (પૂર્તતા ઓડિટ) ના 3.1.7 "એશિયાઈ સિંહો માટે નવા વિસ્તારોની જાહેરાત ના થવી" 
 
            એશિયાઈ સિંહોની વસ્તી 1979 માં 205 હતી. તેમાં વધારો થઈને 2015 માં 523 થઇ હતી. વધુમાં, ગીર રક્ષિત વિસ્તારની અંદર સિંહોની સંખ્યા 2011 માં 308 હતી, તે વધીને 2015 માં 356 (15.6%) થઇ હતી. આ વધારો ગીર રક્ષિત વિસ્તાર જે આ સિંહોનું રહેઠાણ છે. તેમાં દબાણ ઉભું કરે છે. વધુમાં, સિંહ પ્રાદેશિક પ્રાણીઓ હોવાથી તેમની વધતી જતી વસ્તી તેમને ગીર રક્ષિત વિસ્તારની ગીરનાર, ગીર, પાણીયા અને મીતીયાળા અભ્યારણ્ય તથા ગીર નેશનલ પાર્ક બહાર નવા રહેઠાણ શોધવા અને અપનાવવા દોરી જાય છે. આ બાબત ગીર રક્ષિત વિસ્તારના બહાર સિંહોની સંખ્યા 2011 માં 108 હતી તે વધીને 2015 માં 167 (54.6%) થઇ હતી એ હકીકત સ્પષ્ટ થાય છે. 
            
            ગીર રક્ષિત વિસ્તાર માટે મુસદ્દારૂપ પર્યાવરણ - સંવેદનશીલ ક્ષેત્ર જાહેરનામાની રજુ કરવામાં આવેલ દરખાસ્ત (માર્ચ 2016) પણ જણાવે છે કે છેલ્લી વસ્તી ગણતરીને ચેતવણીની નિશાની ગણવી જોઈએ કારણ કે ત્રીજા ભાગના એટલે કે સિંહોની સંખ્યા ના 32% ના રહેઠાણ ગીર રક્ષિત વિસ્તારની બહાર છે, જે માનવજાત, ઢોર અને સિંહોની પોતાની સલામતી માટે પણ જોખમી છે.          
        
            વધતી જતી વસ્તી અને 2012-13 થી 2016-17 દરમિયાન ગીર અભ્યારણ્યની બહાર સિંહોના ગીર રક્ષિત વિસ્તારમાં કુદરતી કારણોથી મૃત્યુ-175 અને ગીર રક્ષિત વિસ્તારની બહાર -106 અને ગીર રક્ષિત વિસ્તારમાં અકુદરતી કારણોથી મૃત્યુ-2 અને ગીર રક્ષિત વિસ્તારની બહાર -21 મરણના ઉંચા પ્રમાણને ધ્યાનમાં લેતાં નવા અભ્યારણ્યો ની રચના કરાવી એ ઉપલબ્ધ વિકલ્પોમાંનો  એક વિકલ્પ વન અને પર્યાવરણ વિભાગ પાસે હતો. એશિયાઈ સિંહો માટે રક્ષિત વિસ્તારના વિસ્તરણના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની ચકાસણી કરી હતી. 

            ગુજરાતમાં નવા રક્ષિત વિસ્તાર/ સંરક્ષિત અનામત ઓળખી કાઢવા માટેની યોજનાનાં ભાગ રૂપે, ગીર રક્ષિત વિસ્તારની બહાર ફરતા સિંહો માટે સલામત કોરિડોરની જોગવાઈ કરવા માટે મુખ્ય વન સંરક્ષક (વન્યજીવન), જૂનાગઢે (નવેમ્બર 2005) ભાવનગર અને અમરેલી જિલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા, ખાંભા અને સાવરકુંડલા તાલુકાઓના ગામોની 30,152.32 હેકટર જમીનને "સર ધરમ કુમાર સિંહજી વન્ય અભ્યારણ્ય" તરીકે જાહેર કરવાની દરખાસ્ત કરી હતી. 

            અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્ય જીવન) સાથે ચર્ચા વિચારણા બાદ દરખાસ્ત માં સુધારો (ઓગસ્ટ 2006) કરવામાં આવ્યો હતો અને વિસ્તારોને (સંરક્ષિત અનામત) તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 11,155.18 હેકટરના ઘટાડેલા વિસ્તાર માટેની સુધારેલી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી (જુન 2007) જેમાં વધુ ઘટાડો કરીને (ઓક્ટોબર 2010) 10,953 હેકટર કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગે અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્ય જીવન) ને જાણ કરી હતી (નવેમ્બર 2010) કે (સંરક્ષિત અનામત) જાહેર કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે અને આગળ નિર્દેશ આપ્યો હતો કે અમરેલી જિલ્લાની 4,811.51 હેકટર સરકારી ખરાબાની જમીન વન અને પર્યાવરણ વિભાગની તરફેણમાં તબદીલ કરવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવે. 

            ઓડિટે અવલોકન કર્યું હતું (મે 2017) કે, સરકારી ખરાબાની જમીન વેન અને પર્યાવરણ વિભાગની તરફેણ માં તબદીલ કરવા માટે મહેસુલ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો (નવેમ્બર 2010). વન અને પર્યાવરણ વિભાગ અને મહેસુલ વિભાગ વચ્ચે ઘણો લાંબો પત્રવ્યવહાર થયો હોવા છતાં જમીન તબદીલ કરવામાં આવી નથી (મે 2017). આમ, 11 કરતાં અધિક વર્ષો પસાર થઇ ગયા હોવા છતાંય સંરક્ષિત અનામત વિસ્તારને સિંહનાં રહેઠાણ તરીકે ની જાહેરાત કરવાની હાજી બાકી છે. 

            હકીકત એ રહી હતી કે, સિંહ માટે છેલ્લું વિસ્તરણ પર્યાવરણ , વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા 2008 માં એટલે કે, ગિરનાર વન્યજીવન અભ્યારણ્ય (178.87 ચો.કિમી નો વિસ્તાર) દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. 2011-15 દરમિયાન સિંહોની વસ્તીમાં 54.60 % નો વધારો અને ગીર રક્ષિત વિસ્તારમાં સિંહોના મારણ  ના ઘણા બનાવો બન્યા હોવા છતાં સિંહો માટે કોઈ નવું રક્ષિત રહેઠાણ મંજુર કરવામાં આવ્યું નથી.
  • જે પ્રમાણે ઉપરોક્ત ભારતનાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક નો વર્ષ 2018 નાં અહેવાલ નં.1 ના પ્રકરણ -3 (પૂર્તતા ઓડિટ) ના 3.1.7 "એશિયાઈ સિંહો માટે નવા વિસ્તારોની જાહેરાત ના થવી"  સમગ્ર પ્રકરણ નો અભ્યાસ કરતાં અને વનવિભાગે પ્રસ્તુત કરેલ "એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણનું વલણ દર્શાવતો ચાર્ટ" રજૂ કર્યો છે. તે જોતાં જંગલ વિસ્તાર વધ્યો નથી પરંતુ, સિંહો એ પોતાની મેળે જ વિસ્તાર વધાર્યો છે. 
  • "એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણનું વલણ દર્શાવતો ચાર્ટ" જોતા છેલ્લાં 30 વર્ષમાં સિંહો એ 30,000 ચો. કિમી માં વિસ્તરણ કરેલ છે. "ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ના વર્ષ 2018" ના અહેવાલ મુજબ સિંહો માટે નવા કોરિડોર કે સંરક્ષિત વિસ્તાર વનવિભાગ કે સરકાર દ્વારા બનાવવામાં જ નથી આવ્યા. માત્ર સિંહ સંવર્ધન ના નામે ઢાંકપિછોડ જ કરવા માં આવી છે. 
  • "ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ના વર્ષ 2018" ના અહેવાલ માં ઓડિટે નોંધ્યું છે કે, 2012-13 થી 2016-17 દરમિયાન ગીર અભ્યારણ્યની બહાર સિંહોના ગીર રક્ષિત વિસ્તારમાં કુદરતી કારણોથી મૃત્યુ-175 અને ગીર રક્ષિત વિસ્તારની બહાર -106 અને ગીર રક્ષિત વિસ્તારમાં અકુદરતી કારણોથી મૃત્યુ-2 અને ગીર રક્ષિત વિસ્તારની બહાર -21 મરણના ઉંચા પ્રમાણની સામે હાલની પરિસ્થિતિ એ 2018-19 તથા 2019-2020 માં સિંહોનો મૃત્યું આંક ખુબજ ઉંચા પ્રમાણ માં છે. ત્યારે, વનવિભાગ આ ગંભીર પરિસ્થિતિ ને નજર અંદાજ કરી. સિંહપ્રેમીઓનું ધ્યાન બીજે લઇ જવા માટે બિનસત્તાવાર સિંહ વસ્તી ગણતરી ના આંકડા પ્રસ્તુત કરે છે.
  •  "ગીર મેનેજમેન્ટ પ્લાન" માં નોંધવામાં આવ્યું છે કે, ગીરના ઈતિહાસમાં આજ સુધી (2015) ગીરમાં કોઈપણ પશુ, પક્ષી માં કોઈપણ જાતનો વાયરસ કે ચેપી રોગ આવેલ નથી. એની સામે 2018 માં 30 સિંહો  કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ના શિકાર બની મોત ને ભેટયાં તથા 36 થી વધારે સિંહો આજીવન પાંજરે પુરાઈ ગયા. 2020 માં બબેસીયા નામનાં ભેદી રોગ થી 30 જેટલા સિંહો એ જીવ ગુમાવ્યો, જો કે વનવિભાગ માત્ર 6 થી 7 સિંહો બબેસીયા થી મૃત્યું પામ્યાં છે અને બીજા સિંહો અલગ અલગ કારણો થી મૃત્યુ પામ્યા નું ગાણું ગાઈ રહ્યું છે. હાલ માં પણ આ બબેસીયા હેઠળ ઘણાં સિંહો એનિમલ કેર સેન્ટર માં સારવાર હેઠળ છે. 
  • જ્યારે, 2018-2020 સુધી માં અસંખ્ય સિંહ અકુદરતી કારણે મોતને ભેટ્યા  છે. જો વનવિભાગ અને સરકાર દ્વારા તેમણે દર્શાવેલ "એશિયાઈ સિંહોની વસ્તી અને વિસ્તરણનું વલણ દર્શાવતો ચાર્ટ" પ્રમાણે અને  "ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ના વર્ષ 2018" ના અહેવાલ માં ઓડિટ દ્વારા નોંધવામાં આવેલ વિસ્તરણ ના પગલાં લીધા હોત તો આજે સિંહો ટપોટપ મર્યા ના હોત. સિંહો અત્યારે પોતાનાં જંગલ વિસ્તારમાં મુક્તપણે વિચરતા  હોત. પરંતુ, વન્યજીવોના રહેઠાણો માનવી એ પચાવી લીધા છે, વનવિભાગ અને સરકાર સિંહો ને પોતાનું રહેઠાણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. તે હાલ માં દેખાઈ આવે છે. 
                આશા રાખીયે કે, વનવિભાગ અને સરકારશ્રી સિંહોનાં મુદ્દે સિંહોને એમના રહેઠાણ, કોરિડોરની વ્યવસ્થા કરે. સિંહો ને સમૃદ્ધ કરે. બાકી, અત્યાર સુધી સિંહો એમની પોતાની રીતે આગળ વધતા રહયા છે તે પ્રમાણે  આગળ વધશે જ એમાં કોઈ શંકા ને સ્થાન નથી. પ્રશ્ન એક જ છે, જ્યારે, સિંહ અને મનુષ્ય આમને સામને આવી જશે ત્યારે, ભોગવવાનું સિંહોનાં ભાગે આવશે. પ્રકૃતિનું એક સુંદર અને તાકાતવાન પ્રાણી માત્ર ફોટા, વિડીયો માં જ જોવા મળશે. પ્રકૃતિ એ રચેલ "ફૂડ ચેઇન" તૂટી જશે. ત્યારે, સમગ્ર જીવશ્રુષ્ટિ માટે એવું જોખમ ઉભું થશે જેને લઈને જીવશ્રુષ્ટિ લુપ્ત થઇ જશે. હાલમાં આપણે સૌ વૈશ્વિક આપદા "કોવીડ -19" માંથી પસાર થઇ જ રહયા છે. જો સિંહો જોખમાશે તો સમગ્ર વિશ્વ માટે હાલની પરિસ્થિતિ કરતા પણ ભયાનક પરિસ્થિતિ ઉદ્દભવશે. 


"હું સિંહ સાથે છું, હું ગીર સાથે છું" 

મયંક ભટ્ટ, Save Lion           
saveasiaticlion@gmail.com