સિંહોની વસ્તી ગણતરી બાબત વિશ્લેષણ 

SAVE ASIATIC LION


વનવિભાગનો દાવો સિંહોની વસ્તિમાં  વધારો થયો છે. ગુજરત વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહ ગણતરી થાય છે. છેલ્લી ગણતરી 2015 માં થયેલ અને હાલ 2020 માં સિંહ ગણતરી ની તડામાર તૈયારીઓ વનવિભાગે કરી હતી. પરંતુ, કોવિડ -19 નું ગ્રહણ લાગવાથી સત્તાવાર ગણતરી પર વનવિભાગે રોક લગાવી. વનવિભાગે છેલ્લા 7 વર્ષોથી પોતાના આંતરિક જાણકારી માટે દર પૂનમે સિંહોનું અવલોકન કરે છે. જેને "પૂનમ અવલોકન " કહે છે.
                                         
  તસવીર સૌજન્ય: નિષાદ પંડયા 

તારીખ 5/6/2020 અને તારીખ 6/6/2020 રોજ વનવિભાગે "પૂનમ અવલોકન " દ્વારા 674 સિંહ ગણતરી ના આંકડા સાત વર્ષમાં પ્રથમ વાર જાહેર કર્યા અને દાવો કરવામાં આવ્યો છે કે, સિંહો ની વસ્તી માં 27.25% વધારો થયો છે. પરંતુ જો ખરેખર સિંહોની વસ્તી ગણતરીનું વિશ્લેષણ કરવામાં આવે તો વનવિભાગનાં આંકડાની માયાજાળ દેખાઈ આવે છે. ટપોટપ થતાં સિંહોનાં મૃત્યું થી હકીકતમાં સિંહ ની વસ્તી વધારા પર રોક લાગી છે.


છેલ્લા 30 વર્ષમાં 6 વાર સિંહ ગણતરી કરવામાં આવી છે.તેની પર નજર કરીએ તો ,વર્ષ 1995 માં સિંહો ની વસ્તી 304 હતી. જે વર્ષ 2001 માં વધીને 327 થઇ, આમ 23 સિંહનો વધારો થયો. ટકાવારી પ્રમાણે 7.56% વૃદ્ધિદર થયો. 

વર્ષ 2005 માં 359 સિંહ નોંધાયા. જેમાં 5 વર્ષ માં 32 સિંહો વધારો થયો. ટકાવારી પ્રમાણે 9.78% સિંહો ની વસ્તી વધી. જે ગત 2001 ની ટકાવારી માં 2.22% વધારો દર્શાવે છે. 

વર્ષ 2010 માં 411 સિંહ નોંધાયા. જેમાં 52 સિંહનો વધારો નોંધાયો. ગત 2005 ની ટકાવારી પ્રમાણે 14.48% ની વૃદ્ધિદર નોંધાયો. જે ગત 2005 ની ટકાવારી કરતા 4.96% વધારે વૃદ્ધિદર થયો. 

વર્ષ 2015 માં 523 સિંહ નોંધાયા. જેમાં 112 સિંહનો વધારો થયો અને 27.25% વૃદ્ધિદર નોંધાયો. જે વર્ષ 2010 નાં  વૃદ્ધિદર કરતા 12.76% વૃદ્ધિદર હતો. આ વર્ષ 2020 માં પૂનમ અવલોકન દરમિયાન 674 સિંહ નોંધાયા. જે ગત 2015 ની ગણતરી કરતા 151 સિંહો નો વધારો થયો છે. ટકાવારી માં 28.87% વધારો નોંધાયો છે. જે ગત વર્ષે 2015 ની ગણતરી ની સરખામણી માં માત્ર 1.62%નો જ વૃદ્ધિદર દર્શાવે છે. 

આ આંકડા 2015 ની વસ્તી ગણતરીમાં 2010 ની ગણતરી કરતા 14% આસપાસ નો વૃદ્ધિદર થયો છે. તેના બદલે આ વર્ષે 2020 માં અવલોકન માં માત્ર 1.62% નો વધારો થયો છે. આ 1.62% નો વધારો એ ખુબ જ ગંભીર બાબત ગણી શકાય.

સિંહના મૃત્યુદર ની વાત કરીએ તો વર્ષ 2018 અને 2019 માં 261 સિંહના મોત થયા. વર્ષ 2018 માં ધારીનાં ગીર પૂર્વ વિસ્તાર માં CDV  વાયરસનાં કહેર માં એકસાથે 23 સિંહોનાં  મોત થયા હતા.40 જેટલા સિંહો ને પાંજરે કેદ કરી દેવામાં આવ્યા જે આજ સુધી મુક્ત કરવામાં નથી આવ્યા ,વર્ષ 2010 થી 2015 વચ્ચે કોઈ આફત નાં આવી હોવા છતાં માત્ર 112 સિંહો નો વધારો થયો, જયારે છેલ્લા 5 વર્ષ માં અનેક આફતો નો સામનો કર્યો હોવા છતાં 151 સિંહો નો વધારો એ શંકાસ્પદ લાગે છે.

વનવિભાગે  સિંહોનાં મોતનાં મામલે ઢાંકપિછોડ કરવાંના અનેક પ્રયાસો કર્યા છે. જેમ જેમ વનવિભાગ લોકો ની આંખ માં ધૂળ નાખવાનાં  પ્રયાસ કરે છે તેમ તેમ સિંહ પ્રેમીઓમાં રોષ વધતો જ જાય છે. વનવિભાગ આવતા વર્ષે સત્તાવાર સિંહ ગણતરી નું એલાન કરે અને આવનારી સિંહ ગણતરી માં પારદર્શિતા લાવે, તો જ સિંહો ને સાચો ન્યાય મળશે અને સિંહો ગુજરાત નું ગૌરવ અને શાન છે એ વાક્ય યથાર્થ થશે. વનવિભાગ ને પણ સાચા અર્થ માં સિંહપ્રેમીઓ બિરદાવશે.

સિંહોની વસ્તીમાં વધારો, પણ આંકડાકીય વિશ્લેષણમાં રાજી થવા જેવું કશું નથી #GSTVNEWS #GujaratiNEWS #LatestGujaratiNEWS