સાવજો માટે સંકટ સમાન બનેલ "બબેસિયા", "બબેસિયોસીસ" શું છે?



         ગીર પંથક એટલે એશિયાઈ સિંહો નું રજવાડું. છેલ્લા ૩ વર્ષથી જંગલનો રાજા સિંહ રોગ અને વાયરસનો શિકાર બની રહ્યો છે. હાલમાં ૨૧ જેટલાં સિંહનાં ટપોટપ મોત થયાં. વનવિભાગ ઢાંક પીછોડમાં વ્યસ્ત છે. સિંહોનાં મૃત્યું થયાં છે તો, કેટલાંક સિંહો ને વનવિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યાં છે. અનેક સિંહો ને પકડીને લોહી, મળ, મૂત્રનાં સેમ્પલ લેવાઈ રહયો છે. ચારેતરફ થી વનવિભાગ પર સવાલો નો વરસાદ થઈ રહ્યો છે. વનવિભાગ પર સિંહોનાં મૃત્યું નું કારણ જણાવવા માટે દબાણ ઉભું થતાં, વનવિભાગે જાહેર કર્યું કે, "બબેસિયા" નામનો રોગ સિંહોનાં મોત નું કારણ છે.


          "બબેસિયા" સાંભળી ને ગીરપ્રેમીઓ, સિંહપ્રેમીઓ માં આ રોગ વિશે જાણકારી મેળવવા ની ઉત્કંઠા થઈ. ઘણાં બધાં મેસેજ માં આ બાબતમાં અમને સવાલ પુછવા લાગ્યાં. સિંહોમાં "બબેસિયા" ક્યાંથી આવ્યો? "બબેસિયા"થી કેવી રીતે સિંહોનાં મૃત્યું થાય છે? "બબેસિયા" ને કેવી રીતે રોકવો?
           આથી, ટીમ Save Lion દ્વારા "બબેસિયા" વિશે સંશોધન હાથ ધર્યું. અમારાં સંશોધનમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. સિહોમાં "બબેસિયા" અને "કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ" કેમ જીવલેણ બને છે? ક્યાંથી આ રોગ સિંહો માં પ્રવેશે છે? કોની બેદરકારી સિંહો માં રોગ લાવે છે? કેવી બેદરકારી થી સિંહો મૃત્યું પામે છે, કે પછી રોગગ્રસ્ત થાય છે? આ બધાં જ સવાલોનાં જવાબ અમને મળ્યાં. સવાલોનાં જવાબ મેળવવા માટે પહેલેથી શરૂઆત કરવી પડશે. એક એક મુદ્દા મહત્વનાં છે. સમગ્ર સૃષ્ટિચક્ર એકબીજા પર નિર્ભર છે, "તમેં એમાંથી એક નાનું અમથું જીવડું પણ કાઢી નાંખો તો, સૃષ્ટિચક્ર ચાલતું તો રહે પણ સંતુલિત નાં રહે." અહીં અમે વિગતવાર માહિતી આપવાની કોશિશ કરી છે.

શું છે "બબેસિયા"?
        પશુઓમાં લોહીનાં પ્રજીવથી થતો રોગ જે લાલ રક્તકોશિકાઓ ને સંક્રમિત કરે છે એ "બબેસિયા". જે પશુધન માટે ખુબજ ઘાતક પુરવાર થાય છે. જે બુફિલસ, રહીપિસિફેલસ, ડરમાસેન્ટર અને હાયેલોમાં નામની "ઇતરડી" (ટિક) દ્વારા બબેસિયાનાં જીવાણુઓ પશુનાં શરીરમાં ફેલાવવાથી થાય છે.
        આપણાં દેશમાં ગાય, ભેંસ, ઘોડા અને કુતરાથી લઈ લગભગ બધાજ પાલતું પશુઓમાં આ રોગ જોવા મળે છે. શંકરગાય અને વિદેશી ગાયોની વિવિધ જાતોમાં "બબેસિયા" જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે "ઈતરડી"(ટિક, બગાઈ) દ્વારા લોહીનાં પ્રજીવોથી ફેલાવવાથી થાય છે. ત્યારે, ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારત દેશમાં ઈતરડી નું પ્રમાણ ખુબજ વધું માત્રામાં છે. જેને લઈ ને પશુધનમાં બબેસિયાનું પ્રમાણ વધુ છે.



બબેસિયા રોગની અસરો
        પશુમાં ઉગ્ર તાવ, પીળિયો, લોહીની ઉણપ તેમજ રક્તકણોની સંખ્યા એકાએક ઘટી જવી. જેવા ચિન્હો દેખાય છે. આ રોગથી અસર પામેલ રોગી પશુ મોટેભાગે મૃત્યું પામે છે. આ રોગની અસર પશુને ચેપ લાગવાનાં સમયથી ૨ થી ૩ અઠવાડિયા સુધીમાં જોવા મળે છે. પશુને એકાએક ઉગ્રતાવ (૧૦૩.૦'ફે થી ૧૦૪.૦'ફે) આવી જાય છે. પશું હાફવા લાગે છે. પશુ ખુબજ નબળું થઈ સુસ્ત પડી રહી છે. ભૂખ ઓછી લાગવી, વાગોળવાનું બંધ કરે છે. પશુની આંખ શરૂઆતમાં લાલ, બીજા તબક્કામાં પીળી અને પછી સફેદ થઈ જાય છે. ઉગ્રતાવને લીધે ૨ થી ૩ દિવસમાં જ રક્તકણો ઘટવા લાગે છે. પશુનો પેશાબ લાલ અને કોફી રંગનો થઈ તેમાં ફીણ વળે છે. આથી, આ રોગને " રેડ વોટર ડીસીઝ" તરીકે પણ ઓળખવામાં આવે છે.


પશુમાં બબેસિયાનાં છેલ્લાં લક્ષણો
       છેલ્લાં તબક્કામાં પશુ ઊભું થાય શકતું નથી. તેનાં પાછલા પગ જકડાઈ જાય છે. અંતે કોમામાં જઈ મૃત્યું પામે છે.

બબેસિયાની વિવિધ જાતો
   બબેસિયા નામનાં પ્રજીવોની વિવિધ જાતો થાય છે. જેવી કે, બબેસિયા બોવીસ, બબેસિયા બાઇજેમીના, બબેસિયા મોટીસ, બબેસિયા ઇકવાઈ, બબેસિયા કેનિસ, બબેસિયા ગિલસોની, બબેસિયા ફેલીસ, બબેસિયા લીઓ જેવી જાતો જોવા મળે છે. આ પ્રજીવો રક્તકણો ની અંદર જોવા મળે છે. આ રોગનાં પ્રજીવોની વાહક "ઈતરડી" (ટિક) મોટેભાગે સ્વસ્થ પશુને કરડી બબેસિયા ફેલાવે છે.




બબેસિયા કેવી રીતે પ્રસરે છે?
      બબેસિયા રોગનાં પ્રજીવો પશુનાં લોહીમાં રક્તકણો પર હુમલો કરી, ધીમે ધીમે રક્તકણો ખતમ કરે છે. ઈતરડી ની જ્યારે પશું ને ડંખ મારે ત્યારે આ પ્રજીવો ઈતરડી ની લાળમાં ભળી જાય છે. આ ઈતરડી બીજા પશું ને ડંખ મારે ત્યારે તેનાં ડંખ માં લાળ દ્વારા બબેસિયા નાં પ્રજીવો પશું નાં શરીરમાં પ્રવેશે છે. ઈતરડી પશુનાં શરીરમાં ડંખ નાખી સતત ૩ થી ૪ દિવસ સુધી ચામડી પર ચોંટી લોહી ચૂસ્યા કરે છે. ઈતરડી લોહી પી પી ને તેનું કદવધારી દે છે. જેથી બબેસિયાનાં વધુ પ્રજીવો ઈતરડીમાં ભળી જાય છે.

પશુઓમાં બબેસિયા નો ઈલાજ
      સૌ પ્રથમ તો ઈતરડીનો નાશ કરવાનાં પ્રયાસો કરવા જોઈએ. પશું માં બબેસિયાનાં લક્ષણો જણાય કે, તરત જ વેટરનરી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. બેરેનીલ, ડાઇમિનેજીન અને એમાઈડોકાર્બ જેવી દવા નો ઉપયોગ કરી શકાય. આ દવા સાથે તાવ અને દુખાવાની દવા પણ ડોક્ટરની સલાહ થી આપવી જોઈએ. પશું વધું અશક્ત જણાય તો ગ્લુકોઝનાં બોટલ પણ ચડાવાય છે. ઘણીવાર પશુને બીજા પશું નું લોહી પણ ચડાવવા માં આવે છે.

હવે, વાત થઈ પશુધનની, ઈતરડીની અને બબેસિયાની તો પછી સિંહોને આમાં શું લેવાદેવા? તો આગળ આપ ને ખુબજ સરળતાથી સમજાઈ જશે કે, પશુધન ની વિસ્તૃત વાત અહીં આપણે શું કામ કરી.

ગીરનું જંગલ
      ગીરનું જંગલ જૈવ વિવિધતાઓ થી સંપન્ન છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર એશિયાઈ સિંહોનું રહેઠાણ એટલે ગીર નું જંગલ. નેશનલ પાર્ક તથા જંગલની આસપાસ લગભગ ૫ જિલ્લામાં સિંહો મુક્તપણે વિચરે છે. આ સમૃદ્ધ સિંહો છેલ્લાં ત્રણ વર્ષથી ભેદી રોગનો શિકાર બની રહ્યાં છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ નું પ્રોટોઝુઆ સાથે સંક્રમણ દ્વારા ૩૦ જેટલાં સિંહ મોત ને ભેટ્યા. ૩૦ થી વધારે સિંહો ને રોગની અસર થઈ. વનવિભાગે સિંહો ની ઓબ્ઝર્વેશન માં  રાખ્યાં. સુત્રો નાં જણાવ્યાં મુજબ આ કેદ કરાયેલ સિંહો માંથી ઘણાં સિંહ મૃત્યું પામ્યાં અને બાકીનાં સિંહો સાજા થઈ જવા છતાંય જંગલમાં મુક્ત નથી કરવામાં આવ્યાં. અમેરિકા થી વેકસીન લાવવામાં આવી. ૩૦૦ થી વધારે સિંહો નું રસીકરણ કર્યાનો દાવો વનવિભાગ કરી રહ્યું છે. ત્યારબાદ પરિસ્થિતિ માં સુધારો આવતાં વનવિભાગ આરામ કરવા લાગ્યું. કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) નાં હુમલા માંથી શીખ મેળવી નહતી.

       જ્યારે, પરિસ્થિતિ સુધરી એવો અહેસાસ વનવિભાગ કરી રહ્યું હતું ત્યાં, દોઢેક વર્ષનાં સમયગાળા બાદ ટપોટપ સિંહોનાં મૃત્યું થયાં. માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં ગીરની ત્રણ રેન્જ તુલસીશ્યામ, જસધારા અને હડાળામાં 21 સિંહના મોત થયાં એટલે વન્યસંરક્ષકો અને પ્રાણીપ્રેમી ઓ માટે તે ચિંતાનો વિષય બન્યો. ગીરમાં દર પાંચ વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. 2015માં થયેલી ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા 523 હતી. ત્યારબાદ વર્ષ 2018 સુધીમાં કુલ 184 સિંહનાં મૃત્યુ થયાં હતાં અને હવે ફરીથી મોત થયાં છે. ત્યારે, વનવિભાગ સમગ્ર મામલે મૌન રહી ઢાંકપીછોડ કરવા લાગ્યું.
        સિંહપ્રેમીઓ એ ભેદી રોગની આશંકા વ્યક્ત કરી. રાજ્યસભા સાંસદ તથા જૂનાગઢ સાંસદે વનવિભાગને સવાલ કર્યા. વનવિભાગે સવાળોને સ્પષ્ટપણે નકારી અને કોઈપણ જાતના ભેદી રોગની આશંકાને રદિયો આપી સબસાલામત હોવાનું ગાણું ગાયું. આ દરમ્યાન સિંહોનાં મૃત્યું નાં સમાચાર આવતાં રહ્યાં. તો બીજી બાજુ વનવિભાગે ધડાધડ જંગલમાંથી સિંહો નાં રેસ્ક્યુ કરી મળ,મૂત્ર અને લોહીનાં સેમ્પલ લેવામાં આવ્યાં. આટ આટલી ગતિવિધિઓ છતાંય વનવિભાગ મૌન જ હતું. ટીમ સેવ લાયન દ્વારા વિરોધપક્ષ નાં નેતાનાં માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ને આ પ્રકરણ માં હસ્તક્ષેપ કરવા અને શા કારણ થી સિંહોના મૃત્યું થયાં? એવો સવાલ કર્યો. તે છતાંય વનવિભાગ મૌન જ રહેતાં છેલ્લે ટીમ સેવ લાયન દ્વારા હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારતાં વનવિભાગે પ્રેસ કોંફરન્સ દ્વારા જાહેર કર્યું કે, સિંહો માં ભેદી રોગ આવ્યો છે. આ રોગનું નામ "બવેસિયા" છે. જે ઈતરડી થી ફેલાય છે. આમ, વનવિભાગ દ્વારા જે ભેદી રોગનો નકારો કરવામાં આવ્યો હતો, એ સવાલો ને સ્વીકારી "બબેસિયા" રોગ હોવાનું કબુલવામાં આવ્યું.

આપણો મૂળ મુદ્દો હજુ ચાલુ જ છે.  સિહોમાં રોગ કેવી રીતે આવ્યો?

સિંહોની આહાર પ્રણાલી
      શરૂઆતનાં સમયમાં ગીરનાં સિહોનો મુખ્ય ખોરાક ગીરમાં વસતા માલધારીઓનાં માલઢોર. માલધારીઓ ની ગાય, ભેંસ એ એશિયાઈ સિહોનો મુખ્ય ખોરાક હતો. હરણ, ચિંકારા અને નીલગાય નો શિકાર માલઢોરનાં શિકારના પ્રમાણ માં ઓછો હતો. પોલ જોસલીન દ્વારા ૧૯૬૯ માં કરવામાં આવેલ અભ્યાસ મુજબ સિહોનાં ખોરાકમાં મુખ્ય ખોરાક ૭૫% દુધાળા પશુ તથા ૨૫%  જંગલી જનાવર હતાં. પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગનાં માલધારીનાં નેસ અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બહાર ખસેડવામાં આવ્યા. ગેરકાયદેસર દબાણ સ્થળાંતરિતો દ્વારા અને આજુબાજુનાં પશુઓ નાં અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં અવરજવર પર કડક નિયંત્રણને કારણે, સિંહોની ખોરાક પ્રણાલીમાં બદલાવ આવ્યો. તેમ છતાંય દુધાળા પશુઓ સિહોનો પ્રિય ખોરાક છે.


         છેલ્લાં ૨૫ થી ૩૦ વર્ષમાં ખોરાકની ઉપલબ્ધતા પ્રમાણે સિંહોનાં ખોરાક માં ઘણું પરિવર્તન આવ્યું છે. ૨૦૦૯- ૨૦૧૦ દરમ્યાન સિંહોનાં વિસ્તારનાં આધારે આહાર પ્રણાલી જાણવાં સિંહની વિષ્ઠા (મળ) નું પૃથક્કરણની પદ્ધતિનો ઉપયોગ કરી સિંહનાં આહાર વિશે જાણકારી મેળવવામાં આવી. ગીર પશ્ચિમ વિભાગમાં સિંહોનાં ખોરાકમાં ચિતલ ૬૪.૪%, ઢોર ઢાંખર ૧૮.૨%, સાંભર ૧૭.૩% અને નીલગાય ૧૩.૭% જોવા મળ્યું. ગીર પુર્વ વિભાગમાં નીલગાય ૨૯.૭%, ઢોરઢાંખર ૨૮.૭%, ચિતલ ૨૭.૬% અને સાબર ૮.૬૫% આહાર તરીકે જોવા મળ્યાં.


ગીર જંગલની આસપાસ માલઢોર
       ગીર જંગલમાં ૧૪ જેટલાં વસાહતી ગામડાં આવેલ છે. જેનો વિસ્તાર ૫૧૭૬.૪૪ હેકટર અને ૫૫૬ મકાન આવેલ છે. જેમાં ૪૮૦૦ થી વધારે માનવવસ્તી અને ૪૬૦૦ વધારે દુધાળા પશુઓ નિવાસ કરે છે. ગીર અભ્યારણ્ય ફરતે ૫ કી.મી વિસ્તારમાં  ૯૭ જેટલાં આવેલાં છે. ધારી, ખાંભા, ઉના, તલાળા, માળિયા, મેંદરડા અને વિસાવદર આ ૭ તાલુકા અભ્યારણ્યની સીમાં પર આવેલ છે. આ વિસ્તારનાં ગામોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બહુ પ્રખ્યાત "કેસર કેરી" માટે નાં વ્યાપક આંબાવાડિયા આ વિસ્તારમાં આવેલ છે. કેસર કેરીને વિશ્વકક્ષાએ પહોંચાડનાર મોટું માર્કેટ પણ અહીં આવેલ છે. ગીર અને આસપાસની જમીન ફળદ્રુપ હોવાથી ગેરકાયદેસર દબાણની સમસ્યા કાયમી છે. અહીં ખેડૂતો ખુબજ મોટી સંખ્યામાં પશુધન ધરાવે છે. જમીન વિહોણા લોકો પણ  ઘણી મોટી સંખ્યામાં પશુધન ધરાવે છે. જો કે, આ સમુદાયને અભ્યારણ્ય વિસ્તારમાં પશુ ચરાવવા પર પ્રતિબંધ છે.
     અહીં દૂધ આપતાં પશુઓને ખાણ અને ચારો આપવામાં આવે છે. બાકી મોટાભાગનાં પશુઓને ગૌચર, ખરાબા ની જમીન તથા રક્ષિત જંગલ વિસ્તારમાં ચરાઈ માટે આધારિત રહેવું પડે છે. ચોમાસા દરમ્યાન અભ્યારણ્ય ઉપર ચરાઈ માટે દબાણ વધી જાય છે. અભ્યારણ્યની આસપાસ પશુધન પુષ્કળ પ્રમાણ માં છે. ચરિયાણ માટેનું દબાણ જંગલનો વિકાસ અટકાવે છે. તો બીજી તરફ જંગલની આસપાસનાં ગામડાં વિસ્તારમાં જંગલી જનાવરો અવારનવાર આવી ચડે છે. જંગલી પશુઓ ખેતરોમાં નુકશાન ન પહોંચાડે તે અટકાવવા કેટલાય ખેતરો ફરતે વિદ્યુતપ્રવાહ પસાર થતી વાડ કરવામાં આવે છે. જે જનાવરો ને ખૂબ નુકશાન કરે છે. અનેક ખુલ્લાં કુવામાં જંગલી જીવો એ જીવ ગુમાવ્યા છે.

      સિંહો નો મુખ્ય ખોરાક દુધાળા ઢોર છે. જંગલની આસપાસ નાં ગ્રામ્ય વિસ્તારમાં અઢળક પશુધન ઉપલબ્ધ છે. ત્યારે, સિંહો અવારનવાર દુધાળા ઢોર નો શિકાર કરવા આ વિસ્તારોમાં આવી ચડે છે. હાલમાં, આવા અનેક કિસ્સા બની રહ્યાં છે અને દિવસે દિવસ વધી પણ રહ્યા છે. હવે, બીજી તરફ જંગલની આસપાસ અઢળક પશુધન હોય ત્યારે, કુદરતી કે અકુદરતી રીતે માલઢોરનાં મૃત્યું થાય ત્યારે, પશું નાં મડદાં ને ગામ બહાર, નદીકિનારે અથવા તો નક્કી કરેલ જગ્યાએ નાખી દેવામાં આવે છે. ત્યારે, આ પશું નાં મડદાં રૂપી ખોરાક ખાવા માટે કૂતરા, શિયાળીયા, ઝરખ, દીપડા અને સિંહો આવી ચડે છે. અન્ય નાના મોટા જીવો, માસભક્ષી પક્ષીઓ પણ આવી ચડતાં હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં ઢોરો નો શિકાર કરવા સિંહો રાત્રીનાં સમયે આવી ચડતાં હોય છે. હાલમાં આવા અનેક કિસ્સાઓ ગામ માં લાગેલ CCTV કેમેરા તથા ગ્રામજનોએ પોતાનાં મોબાઈલ થી લીધેલ વિડીયોમાં કેદ થયાં છે અને સિંહોની વર્તણૂકનાં ઠોસ પુરાવા છે.


       આમ, વર્ષો થી સિંહનાં ખોરાકમાં પરિવર્તનો આવી રહ્યાં છે. શરૂઆતનનાં સમયમાં જંગલમાં રહેતા માલધારીઓનાં માલઢોરનો આહાર કરતાં ત્યારબાદ માલધારીઓને જંગલ બહાર ખદેડતાં સિંહોએ નીલગાય, ચિતલ તથા જંગલ બહારનાં પશુઓનું મારણ કરવા માડ્યા. હાલનાં સમયમાં જંગલ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો દ્વારા માલઢોરનું મારણ વધી રહ્યું છે. તો ગામ બહાર ફેંકાયેલ મરેલ ઢોરને સિંહો એ પોતાનાં ખોરાકમાં સ્થાન આપ્યું.

ગીરમાં પ્રવાસન ઉદ્યોગ ધમધમ્યો
         જેમ જેમ સિંહોની પ્રસિદ્ધિ વધવા લાગી તેમ તેમ દેશભર માંથી પ્રવાસીઓનાં આકર્ષણનું "ગીર" કેન્દ્ર બની ગયું. "સાસણ ગીર" વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ પામ્યું. સાસણ ગીર એ હિરણ નદીનાં કાંઠે આવેલ એક નાનકડું ગામ છે. ૧૯૧૧માં "સિંહ સદન" ની સ્થાપનાં કરવામાં આવી. જૂનાગઢનાં નવાબનાં સમયથી આ ગામ ઐતિહાસિક રીતે પ્રખાત છે. દસ્તાવેજોનાં આધારે ૧૯૫૯ થી ૧૯૮૭ સુધી જીવતું ભક્ષ્ય આપી "લાયન શો" કરવામાં આવતા હતા. હાલમાં "સિંહ સદન" ગેસ્ટ હાઉસ તરીકે પ્રવાસીઓનાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા વનવિભાગ તરફ થી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


         પ્રવાસીઓને અભ્યારણ્યમાં સિંહ દર્શન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. જીપ્સીઓ અને ગાઈડ સાથે ૮ રૂટ નક્કી કરી સિંહ દર્શન કરાવવાનું ચાલુ થયું. પ્રવાસીઓને પરમીટ ફાળવવામાં આવી. ૧૦૦ થી વધારે ખાનગી જીપ્સીઓ વનવિભાગ દ્વારા નોંધવા માં આવી. પ્રવાસીઓનો ધસારો વધતો ગયો. ૨૦૦૭ થી પ્રવાસીઓની સંખ્યા વધી. "ગીર નહીં દેખા, તો કુછ નહીં દેખા, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મૈં" આ શબ્દોની સાથે જાહેરાત લઈ ને આવ્યા સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન. દરેક ટીવી ચેનલો પર "ખુશ્બૂ ગુજરાત કી" એ ધૂમ મચાવી . સમગ્ર દેશ અને વિદેશમાંથી ગીરમાં પ્રવાસીઓનાં ઢગલા થવા માંડ્યા. ૨૫ થી ૩૦ રૂમ નું  ગેસ્ટ હાઉસ "સિંહ સદન" હવે નાનું પડી રહ્યું.

          કોઈપણ જાતની અગમચેતી દાખવ્યા વગર "ખુશ્બૂ ગુજરાત કી" જાહેરાતે સાસણ ગીરમાં પ્રવાસીઓનાં ઢગલા ખડકી દીધાં. પરંતુ, પ્રવાસીઓ ની રહેવાની કોઈ વ્યવસ્થા સરકાર કે વનવિભાગ તરફ થી કરવામાં નાં આવી. પરિણામ સ્વરૂપે સ્થાનિકો ની જગ્યા માં સ્થાનિકો તથા બહારનાં લોકોએ બિલાડીનાં ટોપની માફક નાની, મોટી હોટેલો, રિસોર્ટ, ફાર્મ હાઉસ ખોલી નાખ્યાં. સાસણ ગીરની આસપાસ ની આ નાની, મોટી હોટેલો, રિસોર્ટ, ફાર્મ હાઉસો ઉત્તમ સુવિધા પૂરી પાડવા લાગ્યા. એક સમયનું નાનકડું ગામડું પ્રવાસીઓ થી ધમધમી રહ્યું છે. સાસણ ગીરમાં સિંહદર્શન માટે "ઓનલાઈન પરમીટ બુકીંગ" ની વ્યવસ્થા ગોઠવવામાં આવી. સિંહ દર્શન કરવા પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ને આવતાં.


ગેરકાયદેસર સિંહદર્શન ધમધમી ઉઠ્યું
          સિંહ દર્શન કરવા પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ને આવતાં. પરંતુ "Wild life is luck by chance" છે. સિંહ નક્કી કરેલ રૂટમાં જોવા મળે અને નાં પણ મળે. આજ વાત નો ફાયદો નાની, મોટી હોટલો, રિસોર્ટ અને ફાર્મ હાઉસો ને જાણે અજાણે મળી ગયો. જે પ્રવાસીઓને  સફારીમાં સિંહ દર્શન થયાં કે ન થયાં તેઓ ને સિંહદર્શન ની લાલસા વધી ગઈ. અને શરૂ થયો "ગેરકાયદેસર સિંહદર્શન" નો ધંધો. આ ગેરકાયદેસર સિંહદર્શન જંગલની આસપાસનાં ગામડાં, વાડી વિસ્તારમાં ધમધમવા લાગ્યાં. નાની, મોટી હોટેલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસ વાળા એ એમને ત્યાં રોકાયેલ પ્રવાસીઓ ને "ગેરકાયદેસર સિંહ દર્શન" ની વ્યવસ્થા કરવા લાગ્યાં. પ્રવાસીઓ પાસેથી રકમ નક્કી કરી, પ્રવસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી સિંહ સાથે સેલ્ફી લેવાનો ધંધો પુરજોશમાં ખીલ્યો. અંધારી રાત્રીમાં ગીર જંગલની આસપાસનાં ગામડાં, વાડી વિસ્તારો ધમધમવા લાગ્યાં. વારે તહેવારે વાહનો અને પ્રવાસીઓ ગીરને ધમરોળવા લાગ્યાં. બની બેઠેલા ગિરપ્રેમીઓ પણ ઉમટી પડ્યાં. જેઓ જંગલમાં ફરવા, માલધારીઓ નાં નેસડે રોકાવા, ગેરકાયદેસર લાયન શો જોવાની લાલસા વાળા પોતાની જાતને ગિરપ્રેમી, સિંહપ્રેમી અને પ્રકૃતિપ્રેમી દર્શાવી ગીરમાં મોજ મજા કરવા ઉમટી પડ્યાં. કેટલાય આવા બની બેઠેલા ગિરપ્રેમીઓ એ ગીરને મોજ મજાનું સ્થાન બનાવી દીધું.

      જંગલ આસપાસનાં ગામડાઓ, વાડી વિસ્તારોમાં મરી ગયેલ માલઢોર નાંખી સિંહોને લલચાવી ગેરકાયદેસર લાયન શો કરાવવાનો ધંધો પુરજોશમાં ચાલવા લાગ્યો. કેટલાકે તો મારણ અને પાણી ની વ્યવસ્થા કરી પોતાનાં વિસ્તાર માં સિંહોને રોકી રાખતાં કિસ્સાઓ પણ બહાર આવ્યા. રીતસર સાસણ ગીરમાંથી પ્રવાસીઓને આવાં ગેરકાયદેસર લાયન શો કરતાં લોકેશનિયાઓ એજન્ટો દ્વારા ગેરકાયદેસર સિંહદર્શન કરાવતાં થઈ ગયા. બની બેઠેલાં ગિરપ્રેમીઓ, સિંહપ્રેમીઓ નો રાફડો ફાટ્યો, ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં વનવિભાગ પકડે નહીં એટલે આ બની બેઠેલાં સિંહપ્રેમીઓ કે જેમનો લક્ષ્ય માત્રને માત્ર સિંહો જોવાનો હોય એ વનવિભાગ ની ચાપ્લુસી કરવા માંડ્યા. જે પ્રમાણે વર્ષો પહેલાં જીવતું ભક્ષ્ય આપી લાયન શો થતાં એનું પુનરાવર્તન થવા માંડ્યું. કેટલાક તત્ત્વો એ જીવતી મરઘી હાથમાં રાખી સિંહો ને ખવડાવી લાયન શો કરવા માંડ્યા. જેના પુરાવારૂપી વિડીયો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયામાં આવી જ ગયા છે. વનવિભાગે પણ આવાં શખ્સો ને પકડી વન્યપ્રાણીનાં કાયદા મુજબ કાર્યવાહી પણ કરી. પરંતુ ક્યાંક ક્યાંક વનવિભાગનાં કેટલાક કર્મીઓની પણ મિલીભગત આ ગેરકાયદેસર લાયન શો વાળા સાથે જોવા મળી.


          માલઢોર મોટર સાઇકલ પાછળ બાંધી જંગલ માંથી વાડી વિસ્તાર સુધી સિંહોને લલચાવી ગેરકાયદેસર લાયન શો કરતાં પણ કેટલાક શખ્સો ને વનવિભાગે પકડી કાનૂની કાર્યવાહી કરેલ છે. વનવિભાગે કેટલાય આવા તત્વો ને પકડી કાનૂની કાર્યવાહી કરી. છતાંય આ ગેરકાયદેસર સિંહદર્શન નાં ધંધા બંધ થવાનું નામ જ નથી લેતાં. કેટલાય વિસ્તારોમાં સિંહો ને મારણ નાંખી ખોરાક આપી આપી સિંહો તેના એદી થઈ ગયાં. અમુક ગામો તો ગેરકાયદેસર સિંહદર્શન કરાવવા માટે પ્રખ્યાત થઈ ગયાં. વનવિભાગે આ માટે સિંહો ને મારણ આપી, આવા ગેરકાયદેસર લાયનશો ચાલતાં હોય તેવાં વિસ્તારો માં સિંહો ને જતાં રોકયાં.

મારણ નાંખી સિંહોનું રેસક્યું
        એકબાજુ સાસણ ગીર પ્રવાસીઓ થી ધમધમી રહ્યું છે. તો બીજી બાજુ ગિકયદેસર લાયન શો પણ થઈ રહ્યાં છે. સિંહોની વસ્તી વધી રહી છે. શિકાર માટે અથવા ઇનફાઈટ ને લીધે સિંહો પોતાનો વિસ્તાર વધારતાં હોય છે અથવા તો વિસ્તાર બદલતાં હોય છે. ત્યારે ઇનફાઈટમાં ઘાયલ સિંહો નું રેકસયું કરી વનવિભાગ તેઓ ને સારવાર આપે છે. એકલ દોકલ સિંહને પકડવા માટે પાંજરામાં મારણ મૂકી સિંહોને પાંજરે પુરવામાં આવે છે. સિંહોનાં પ્રાઇડ ને પકડવા માટે મોટા રિંગ પાંજરામાં મારણ મુકી પકડવામાં આવે છે. કોઈવાર ગામ માં વારંવાર આવી જતા સિંહ ને પકડવા મારણ મુકવામાં આવે છે. સિંહને પકડી પાછો જંગલમાં મુકવામાં આવે છે.

          રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી કે પછી વનમંત્રી જ્યારે જ્યારે સાસણ ગીર ની મુલાકાતે આવતાં હોય છે. ત્યારે, સિંહ દર્શન ની લાલચ તેઓ પણ રોકી શકતા નથી. ત્યારે વનવિભાગ દ્વારા આવા કોઈ મહાનુભાવ ની મુલાકાત અગાઉ સિંહો ને એક વિસ્તાર માં રોકી રાખવા મરેલ પશુઢોર નું મારણ આપી એક જગ્યાએ કેટલાય દિવસો સુધી રોકી રખાય છે. જ્યારે મહાનુભાવો સાસણ ગીર પધારે ત્યારે, તેઓ ને જંગલ માં જ્યાં સિંહ રોકી રાખ્યાં હોય ત્યાં લઈ જઈ સિંહ દર્શન કરાવવામાં આવે છે. ત્યારે, બીજા દિવસે સમાચાર પત્રોમાં હેડલાઈન આવે છે કે, ફલાણા ઢીકણા મહાનુભાવનાં રસ્તા માં ડાલામથ્થો સિંહ આવી ગયો. સિંહે રસ્તો રોક્યો. ૨૫ સિંહોએ મહાનુભાવ ને દર્શન દીધાં. પણ આ સિંહોને મારણ આપી રોકી રખાયેલ હોય છે.જે બિલકુલ સત્ય હકીકત છે. આમ રેસક્યું હોય કે કોઈ મહાનુભાવ ની સાસણ મુલાકાત વનવિભાગ પણ મરેલ માલઢોર નું મારણ સિંહો ને નાખતું રહ્યું છે. હાલ માં આ વ્યવસ્થા વનવિભાગે વધારી દીધી છે. આસપાસ નાં ગામમાં મરી ગયેલ માલઢોરને વનવિભાગ ની બોલેરોમાં ભરી જંગલમાં સિંહોને નાખવામાં આવે છે. જંગલ માં અમુક વિસ્તાર માં અશક્ત સિંહ હોય તેને આવા ગામડાં માંથી મરેલ માલઢોર લાવી ખોરાક તરીકે આપવામાં આવે જ છે.   વનવિભાગ આ તકનીકનો ભરપૂર ઉપયોગ કરે છે. જેનાં સાક્ષી જંગલ આસપાસનાં ગ્રામજનો સારી પેઠે જાણે છે. આમ, હાલમાં સિંહો મરેલ માલઢોરનું મારણ કરતાં થઈ ગયા છે... કરી દેવામાં આવ્યા છે.


પરંતુ, હંમેશ ની જેમ વનવિભાગ આવી કોઈ પ્રવૃત્તિ ને સ્પષ્ટપણે નકારે છે.

સિંહો જંગલ બહાર શિકાર કરવા મજબુર
         જે પ્રમાણે હાલમાં સિંહો જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવી રખાડતાં પશુઓનું મારણ કરે છે. જેના વિડીયો પણ ખૂબ વાયરલ થાય છે. એટલે, હવે મિત્રો આપ ને સમજાશે કે આ લખાણ માં પ્રારંભિક લખાણ પશુધન વિશે માહિતી સભર કેમ લખ્યું હતું.જે પ્રમાણે સિંહો જંગલ બહાર આવી મારણ કરે છે. એ જોતા સ્પષ્ટપણે કહી જ શકાય કે જંગલ વિસ્તારમાં સિંહો માટે શિકારની કમી છે જ. જે પ્રમાણે સિંહો તેમના ખોરાકમાં પરિવર્તન લાવી રહ્યા છે એ એક સંશોધન નો વિષય છે. જો કે આ બાબતમાં વનવિભાગ કોઈ પણ જાતનાં સંશોધન ને મંજૂરી આપતું નથી કે નથી સ્વયં સંશોધન કરતું.

         જાણકારોનાં મતે સિંહો ની સંખ્યા વધવાથી, જંગલમાં શિકાર ની કમી, જંગલ આસપાસનાં આંબા નાં બગીચા સિંહો ને આરામ કરવા માટે ઉત્તમ, જંગલ કરતાં જંગલ ની આસપાસ સરળ શિકારની ઉપલબ્ધી, આસપાસ ગામ બહાર નાંખેલ મરેલ માલઢોર વગેરે કારણો થી સિંહો જંગલ બહાર આવી ચડે છે.



કેવી રીતે સિહોમાં પ્રસરે છે "બબેસિયા"?
        આટલું લખાણ વાંચ્યા બાદ આપ ને ખ્યાલ તો આવી જ ગયો હશે કે, સિંહો માં આ રોગ કેવી રીતે પ્રસરે છે. હજુ થોડું વિસ્તૃત માં જાણકારી આપી જ પડે નહીંતર કેટલાંક સિંહપ્રેમીઓ વિરોધ દર્શાવશે કે માહિતી અધૂરી છે. ગીરનો રહેવાસી જ ગીર ને સમજે... બહારવાળા ને  શું ખબર પડે ગીર અને સિંહમાં.... પણ પ્રકૃતિને પ્રેમ કરવો, સિંહ ને પ્રેમ કરવા માટે કોઈ નિયમો તો નથી. જો તમે ૫૦૦ કિલોમીટર દૂર બેસી ગીરની વેદના, સિંહની સમસ્યા સમજતાં હોવ તો તમે ૧૦૦% ગિર અને સિંહપ્રેમી છો જ એમાં કોઈનાં સર્ટીફીકેટ ની જરૂર નથી... પ્રકૃતિ કોઈનાં બાપની જાગીર નથી.
           જે પ્રમાણે જંગલની આસપાસ અઢળક પશુધન છે. જીવતું અને મરેલું પશુધન સિંહો માટે સરળ ખોરાક સાબિત થઈ રહ્યો છે. જે સિંહો ને આકર્ષી રહ્યો છે. એકબાજુ જંગલમાં ખોરાક ની કમી. સિંહો ને ગેરકાયદેસર લાયનશો કરવા વાળા મારણ નાંખતા હોય, વનવિભાગ પણ રેસક્યું કરતી ઘડીએ   છુટ્ટા હાથે મરેલ માલઢોરનું મારણ આપતું હોય, જંગલ આસપાસ નાં ગામમાંથી મડદાં પશું ને જંગલખાતું જ જંગલમાં નાખતું હોય ત્યારે સિંહો ને હાલ માં આવા મારણ ખાવાની આદત થઈ રહી છે.
           સિંહો જ્યારે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસનો ભોગ બન્યા. ત્યારે, વનવિભાગ હાંફળું ફાફળું ઢાંક પીછોડ માં લાગી ગયું હતું. ૩૦ થી વધારે સિંહોનાં મૃત્યું થયાં. ૩૦ થી વધારે સિંહોને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યાં જેને આજ સુધી જંગલ માં મુક્ત કરવામાં નથી આવ્યાં. આ ઘટના પર વનવિભાગે જેમતેમ કરી પડદો પાડવા માં સફળ રહ્યું. ભલે, પડદો પાડ્યો પરંતુ, કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ અને પ્રોટોઝુંઆ નાં સંક્રમણ થી સિંહો મર્યા એ હકીકત છે. જે ક્યારેય છુપાવી નહીં શકાય. ૨૦૧૫ માં વનવિભાગે એક મહત્વપુર્ણ નોંધ લખી છે કે, " ગીર સંરક્ષિત વિસ્તારમાં જંગલી માંસ ભક્ષીઓ અને તૃણાહારીઓમાં કોઈ પણ મોટો રોગચાળો જોવા મળેલ નથી". આ નોંધ આપણા ગીર અને સિંહ અને દરેક જીવો જે ગીરમાં રહે છે. તની સમૃદ્ધતાં દર્શાવે છે. જે વર્ષો થી બરકરાર હતી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં ગીરનાં રાજા ની માઠી દશા બેઠી છે. રોગચાળો સિહોનો શિકાર કરી રહ્યો છે. એ નગ્ન સત્ય છે.

         નિષ્ણાતો નાં મતે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) ખાસ કરીને કુતરાઓમાં જોવા મળે છે. જો કુતરાઓમાં આ વાયરસ જોવા મળે છે, તો સિહોમાં ક્યાંથી આવ્યો? પરંતુ જે સમયે CDV નો હુમલો સિંહો પર થયો ત્યારે વનવિભાગે કોઈપણ સંશોધન નથી કર્યું કે નથી કોઈ શીખ મેળવી એ હાલમાં જે "બબેસિયા" એ પુરવાર કર્યું. જ્યારે, સિહોમાં CDV આવ્યો હતો ત્યારે સાથે પ્રોટોઝુંઆ નું સંક્રમણ જોવા મળ્યું હતું. જેને પગલે સિંહો ટપોટપ મોત ને ભેટ્યા હતાં. આફ્રિકામાં સેરેનગતી માં ૧૦૦૦ જેટલા સિંહોનાં મૃત્યું થયાં ત્યારે CDV વાયરસ મોત નું કારણ બન્યો હતો. સરેનગતી નાં તંત્ર દ્વારા જંગલ ની આસપાસ તપાસ કરતાં ૩૦૦૦ કૂતરા ની હાજરી મળી. એ કુતરાઓ માંથી કેટલાક કૂતરાં નાં ટેસ્ટ કરતાં જેટલાં ટેસ્ટ કર્યા એ બધામાં CDV વાયરસ જણાઈ આવ્યો હતો. નિષ્ણાંતો એ પણ નોંધ્યું કે, કૂતરાનાં શરીરમાં CDV લાંબા સમય સુધી શુસુપ્ત અવસ્થામાં  પડ્યો રહે છે. ખાસ, બીજી એ પણ નોંધ લીધી કે માત્ર CDV એકલા થી સિંહોનાં મૃત્યુ ન થાય. CDV સાથે પ્રોટોઝુંઆ નું સંક્રમણ જોવા મળ્યું.
     
       હવે જ્યારે, "બબેસિયા" થી ૨૩ થી વધારે સિંહોનાં મૃત્યું થયાં હોય. ત્યારે, વનવિભાગે "ઈતરડી" દ્વારા સિહોમાં બબેસિયા ફેલાયો હોવાનું નિવેદન આપ્યું છે. ગત, CDV નાં હુમલા વખતે જ વનવિભાગ નાં PCCF દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, "માત્ર બબેસિયા રોગ થી સિંહોનાં મૃત્યું ન થાય." આમ, CDV માં પ્રોટોઝુંઆ નું સંક્રમણ હતું જ. આગળ આપણે જોઈ ગયાં કે, બબેસિયા કેવી રીતે પ્રસરે.


     
        હવે, મુખ્ય વાત એ કે "બબેસિયા" મોટેભાગે ગાય, ભેંસ જેવાં પશુમાં જોવા મળે છે. CDV કૂતરાં માં જોવા મળે છે. તો પછી સિહોમાં આ રોગ આવ્યો ક્યાંથી? તો અગાઉ સિંહ કેવી રીતે ગામ માંથી પશુનું મારણ કરે છે, ગામ બહાર પડેલ પશુનાં મડદાં, ગેરકાયદેસર લાયન શો દ્વારા, વનવિભાગ દ્વારા મરેલાં માલ ઢોર કે જે આસપાસનાં ગામડામાંથી લાવી સિંહો ને ખોરાક માટે અપાય છે. જેમાંના મોટાભાગનાં પશુઓ "બબેસિયા" થી સંક્રમિત છે અથવા તો તેના કારણે જ મોત ને ભેટ્યા છે.

         હવે જ્યારે, આ બબેસિયા સંક્રમિત મરેલા પશુ ને કૂતરાં, શિયાળીયા, ઝરખ, દીપડા વગેરે બટકું મારતાં જાય છે. ત્યારે ખાસ કરીને કૂતરાં દ્વારા બટકું મારતાં મરેલાં ઢોરમાં CDV વાયરસ દાખલ થઈ જાય છે. હવે, આ ઢોર નું મડદું CDV અને બબેસિયા બન્નેથી સંક્રમિત થયેલ સિંહ ખોરાક માં લે ત્યારે, બબેસિયા અને CDV બન્ને નો હૂમલો સિંહ પર થાય છે. અધૂરામાં પૂરું સિંહને ઘાસમાં વસતી ઈતરડી પણ ડંખ મારતી હોય છે. ત્યારે, સિંહ આ વાયરસ સંક્રમિત મારણ ખાઈ મરણ પથારીએ પોઢી જાય છે.


        હવે, વનવિભાગ હાલમાં જે સિંહ મર્યા છે એનો જવાબદાર માત્ર "બબેસિયા" રોગને દર્શાવી રહ્યું છે. એ તદ્દન ખોટી અને સંશોધન કર્યા વગરનું નિવેદન છે. બબેસિયા સાથે CDV નું સંક્રમણ થાય તો જ સિંહો નાં મૃત્યું થાય. બીજું CDV પ્રાણીનાં શરીરમાં લાંબા સમય સુધી શુસુપ્ત રહી પડી રહે છે. માટે, મરનાર સિહોમાં CDV શુસુપ્ત અવસ્થા માં પડેલ હોય અને સિંહે બબેસિયા સંક્રમણ વાળા પશુનાં મડદાં ખાધા હોય. ત્યારે, સિંહો મોત ને ભેટવાનાં જ. આમ, સિહોમાં બબેસિયા અને CDV બન્ને નો પ્રવેશ થાય છે.

     
        હવે, વનવિભાગ માત્રને માત્ર સિંહો નાં મોત માટે "બબેસિયા" ને જવાબદાર ઠેરવી રહ્યું છે. CDV ને જાણી જોઈને નજર અંદાજ કરી રહ્યું છે. સિંહોનાં સેમ્પલ તો લઈ રહ્યું છે પરંતુ CDV નાં ટેસ્ટિંગ માટે મોકલતું નથી. વનવિભાગ નાં જવાબદાર અધિકારીનું નિવેદન છે કે, "અમને CDV નાં ચિન્હો સિંહોમાં દેખાશે ત્યારે અમે ટેસ્ટ કરાવીશું." તેમ બેજવાબદાર નિવેદન આપી બીજા સિંહોને પણ મોતનાં મુખમાં ધકેલી રહ્યાં છે. વનવિભાગ આટલાં અનુભવ અને આ રોગની ગંભીરતા જોઈએ ને CDV નો ટેસ્ટ વહેલી તકે કરાવી સિંહો ને બચાવવાનાં પ્રયાસો જારી રાખે અને સાથે વનવિભાગ તેના કાર્યમાં પારદર્શીતા લાવે તો દરેક સિંહપ્રેમી વનવિભાગને સવાલ નહીં કરે. પરંતુ, સન્માન આપી બિરદાવશે.......
મયંક ભટ્ટ (Save Lion) 
"હું સિંહ સાથે છું, હું ગીર સાથે છું."